સામાય ધસી જઈએ, આઘાંય ખસી જઇએ…


સામાય ધસી જઈએ, આઘાંય ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઈએ.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇએ.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇએ.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએ.


– રાજેન્દ્ર શુકલAdvertisements

સુહાની છે સાજને એ મળે પણ ખરી…

સુહાની છે સાજને એ મળે પણ ખરી,
કળી બાગમાં ભમરાને મળે પણ ખરી,

આંખો મળે અને દિલ ધડકે પણ ખરું,
વાદળો ગગડેને વીજળી ચમકે પણ ખરી,

આપણા વચ્ચે વાત થાય પણ ખરી,
ઢેલ મોર સાથે આજ ટહુકે પણ ખરી,

સામેથી જાય ચાલી પછી વળે પણ ખરી,
ભરતી પછી ઓટ આવે પણ ખરી,

દિલથી દિલ બદલાય જાય પણ ખરું,
હસતા હસતા તે જીદગીમાં આવે ખરી….


– ભરત સુચક


આપણ એકબીજાને ગમીએ…

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !

શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?

દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે

સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !


– રમેશ પારેખ

પંખીએ ઘર બાંધ્યું પાછું હમણાં હમણાં…

પંખીએ ઘર બાંધ્યું પાછું હમણાં હમણાં,
ઝાડ ફરી લાગે છે તાજું હમણાં હમણાં…

કોનો એને સંગ થયો છે ખબર નહીં,
બોલે છે એ સાવ જ સાચું હમણાં હમણાં…

પહેલાં તો હું સૂરજ સાથે ફરતો’તો,
જરા આગિયો જોઈ દાઝું હમણાં હમણાં…

તમે કોઈને ભૂલચૂકે ના ગાળો દેતાં,
આવે છે ઈશ્વર આ બાજુ હમણાં હમણાં…

સવાર મારી હત્યાથી લૂંટાઈ જતી,
મેં પણ બંધાવ્યું છે છાપું હમણાં હમણાં…


– મુકેશ જોષી

જ્યાં યાદ તારી આવે છે…જ્યાં યાદ તારી આવે છે;
ત્યાં મનડું મારૂં મુંઝાય છે,
કેવી રીતે કહું તારા વિના;
મારા કેવા દિવસો જાય છે,

દિવસ તો આખો કામમાં જાય છે;
રાતના અંધકારમાં તારો ચહેરો દેખાય છે,
ખુલ્લી આંખે તારા સ્વપ્ન આવે છે;
આંખ મીંચાતા નિંદ્રા અદ્રશ્ય થાય છે,

ચારે તરફ સદાય તારો જ ભાસ થાય છે;
હ્દયની અંદર તારો અનુભવ થાય છે,
સૂરજમુખી અને ચાતકની તડપ;
હવે અનુભવાય છે,

જીવનમાં પ્રેમનું મહત્વ; હવે સમજાય છે.


– આશિષ મહેતાપાનખરની પ્રીતડી અમારી…સોનાની સેરોથી સૂરજને લીંપો ને
કાજળની દાબડી અમારી.
આપ્યાં રે ગીત રીત ફાગણનાં તમને,
પાનખરની પ્રીતડી અમારી

છબછબતા સરવરનાં કમળોમાં ગુંજો ને
કાદવની ઠામણી અમારી.
મીઠી રે વીરડીનાં જળ તમને પહોંચે,
મૃગજળની ઝારિયું અમારી.

શબ્દોથી રણકંતી યાદ ફળે તમને ને
મૌનભરી વાત છે અમારી.
ગોખે બેસીને હૈયે વ્હાલમને દેજો ને
વિરહની વાટડી અમારી.

આભલાનાં રૂપ થઇ વરસો રે આમ ભલે,
કોડિયાની ભાત છે અમારી.
આપ્યાં રે રીત ગીત ફાગણનાં તમને,
પાનખરની પ્રીતડી અમારી.


– દલપત ચૌહાણચોતરફ અજવાળું ઊઠી ગયું છે…

ચોતરફ અજવાળું ઊઠી ગયું છે,
કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે.

મેં ચણાવી એક દીવાલ ભીતર,
કોક આ દીવાલ કૂદી ગયું છે.

તું ઊછળતી એક એવી નદી છે,
મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે.

કેમ તારામાંથી હું બ્હાર આવું,
દોરડું વચ્ચેથી તૂટી ગયું છે !

ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
એટલે એ પાન ઝૂકી ગયું છે.

ડાળ પર પડઘાય છે એક ટહુકો,
ક્યારનું પંખી તો ઊડી ગયું છે.


– અનિલ ચાવડા